શું નિહાળશો?
- 1) સ્ટેચ્યુ ઓફ યુનિટી, એક્ઝિબિશન હોલ-મ્યુઝિયમ અને વોલ ઓફ યુનિટી
- 2) સ્ટેચ્યુની વ્યુઈંગ ગેલેરીમાંથી આસપાસના નિસર્ગનું રસપાન
- 3) લેઝર લાઈટ અને સાઉન્ડ શો
- 4) વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત
- 5) સરદાર સરોવર ડેમ અને તેના બે બંધ, નદીના તટ પર આવેલું પાવર હાઉસ
- 6) બોટિંગ
- 7). ઐતિહાસિક શૂળપાણેશ્વર સેન્ચ્યુરી તથા મંદિર
- 8). ઝરવાણી ઈકો-ટુરિઝમ વિસ્તારમાં ટ્રેકિંગ
- 9). બર્ડ વોચિંગ
- 10). શોપિંગઃ
૧૮૨ મિટર ઊંચું સ્ટેચ્યુ ઓફ યુનિટી એ વિશ્વનું સૌથી ઊંચું સ્ટેચ્યુ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના ગ્રાઉન્ડ ફ્લોરમાં ૪,૬૪૭ ચોરસ મિટર વિસ્તારમાં એક વિશાળ એક્ઝિબિશન હોલ તૈયાર કરાયો છે. આ પ્રદર્શનમાં સરદાર પટેલની જીવનયાત્રા, અંગ્રેજ શાસન સામેના સ્વતંત્ર્ય સંગ્રામમાં એમના યોગદાન તથા રજવાડાનાં વિલીનિકરણમાં તેમણે ભજવેલી ભૂમિકાને દર્શાવાઇ છે. આ ઉપરાંત શૂળપાણેશ્વર વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરી, ગુજરાતના આદિજાતિ સમાજની સંસ્કૃતિ તથા જીવન અને સરદાર સરોવર ડેમને પણ ઓડિયો-વિઝ્યુઅલ શો દ્વારા દર્શાવાયો છે.
એક ખેડૂત પરિવારમાં જન્મેલા અને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ખેડૂતોના અધિકાર માટે અનેક સફળ અભિયાન હાથ ધરનારા આ અસાધારણ ભારતીય નેતાને અંજલિ અર્પિત કરવા ભારતભરના ખેડૂતો પાસેથી માટી ભેગી કરવાનું અભિયાન હાથ ધરાયું હતું. આશરે ૧,૬૯,૦૫૮ સ્થળોએથી એકત્ર કરાયેલી આ માટીમાંથી વોલ ઓફ યુનિટી (૩૬ ફૂટ બાય ૧૨ ફૂટ)નું નિર્માણ કરાયું છે. આ દીવાલ ભારતની વિવિધતામાં રહેલી એક્તાનું પ્રતીક છે.
સ્ટેચ્યુની ૧૩૫ મિટરની ઊંચાઈએ આવેલી વ્યુઈંગ ગેલેરીમાંથી મુલાકાતીઓ સરદાર સરોવર ડેમ, વિંધ્ય અને સાતપુડા પર્વતમાળા તથા નર્મદા નદીનાં આહલાદક દૃશ્યોનું રસપાન કરી શકે છે. બે હાઈસ્પીડ લિફ્ટ્સ મુલાકાતીઓને આ વ્યુઈંગ ગેલેરી સુધી લઈ જાય છે.
લેઝર ટેક્નોલોજી દ્વારા સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર લાઈટ એન્ડ સાઉન્ડ શો કરવામાં આવે છે. સોમવારને બાદ કરતા દરરોજ સાંજે આ શો યોજાય છે. રંગીન લેઝર લાઈટિંગ સાથે સરદાર પટેલની જીવનયાત્રા, સ્વતંત્રતા સંગ્રામમાં તથા ભારતનું એક રાષ્ટ્ર તરીકે નિર્માણ કરવામાં સરદારના યોગદાન અને ઈતિહાસને સુંદર રીતે વણી લેવામાં આવ્યો છે.
વિંધ્યાચલની બાજુએ છ કિલોમીટર અને સાતપુડા પર્વતમાળાએ ૧૧ કિલોમીટર સુધી ૬૦૦ એકરના વિસ્તારમાં વેલી ઓફ ફ્લાવર્સનો વિસ્તાર ફેલાયેલો છે. ૨૦૧૬માં ૪૮,૦૦૦ છોડથી શરૂ થયેલી આ વેલી ઓફ ફ્લાવર્સમાં અત્યારે ૨૪,૦૦,૦૦૦થી વધુ છોડ જોવા મળે છે. વેલી ઓફ ફ્લાવર્સને પાંચ અલગ અલગ વર્ગમાં વહેંચવામાં આવી છે, જેમાં ગાર્ડન ઓફ સેન્સ એન્ડ પંચતત્ત્વ ગાર્ડન, ગ્રીન એનર્જી એન્ડ અપસાઈક્લિંગ પાર્ક, સરદાર પાર્ક તેમ જ બટરફ્લાય ગાર્ડન અને એડવેન્ચર પાર્કનો સમાવેશ થાય છે.
ગાર્ડન ઉપરાંત અહીં ઠેકઠેકાણે ફોટોબુથ અને સેલ્ફી પોઈન્ટસ ઊભા કરાયા છે, જેથી મુલાકાતીઓ સુંદર યાદોને કંડારીને સાથે લઈ જઈ શકે. બે યોગ્ય જગ્યાએ અને સુંદર રીતે બનાવવામાં આવેલા કમળના તળાવ મુલાકાતીઓના અનુભવમાં અભિવૃદ્ધિ કરે છે.
સરદાર સરોવર ડેમઃ
સરદાર સરોવર ડેમ (૧૬૩ મિટર) એ ભારતનો ત્રીજો સૌથી ઊંચો બનાવવામાં આવેલો ડેમ છે. પહેલાં ક્રમે હિમાચલ પ્રદેશમાં આવેલા ભાખરા ડેમ (૨૨૬ મિટર) અને બીજા ક્રમે ઉત્તર પ્રદેશમાં આવેલા લખવાર (૧૯૨ મિટર) ડેમનો સમાવેશ થાય છે. ગ્રેવિટી ડેમ માટે વાપરવામાં આવેલા કોંક્રિટની વાત કરીએ તો આ ડેમ ૬.૮૨ મિલિયન ક્યુબિક મિટરના પ્રમાણ સાથે વિશ્વમાં બીજા ક્રમાંકે આવે છે. અમેરિકાનો ગ્રાન્ડ કુલી ડેમ ૮ મિલિયન ક્યુબિક મિટરના પ્રમાણ સાથે વિશ્વમાં પહેલા ક્રમે આવે છે. આ ડેમ છલકાઈ જાય ત્યારે એક સેકન્ડમાં ૮૫,૦૦૦ ક્યુબિક મિટર (સેકન્ડના ૩ મિલિયન ક્યુબિક ફૂટ)ની ક્ષમતા સાથે વિશ્વમાં બીજા સ્થાને આવે છે, જ્યારે ચીનના ગેઝેન્બા (૧,૧૩,૦૦૦ ક્યુબિક મિટર પ્રતિ સેકન્ડ) અને બ્રાઝિલના તુકરી (૧,૦૦,૦૦૦ ક્યુબિક મિટર પ્રતિ સેકન્ડ)નો સમાવેશ વિશ્વના પહેલા બે સ્થાને છે. સરદાર સરોવર ડેમનું જળાશય ૩૭,૦૦૦ હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે, જે જળસ્તરની ૨૧૪ કિલોમીટરની લંબાઈ તથા સરેરાશ ૧.૭૭ કિલોમીટરની પહોળાઈ ધરાવે છે. સરદાર સરોવર ડેમની સર્વોચ્ચ સપાટી ૧૩૮.૬૮ મિટર (૪૫૫ ફૂટ) છે.
નદીના તટે આવેલું પાવર હાઉસઃ
ડેમથી ૧૬૫ મિટર નીચે આવેલા નદીના તટે આ અંડરગ્રાઉન્ડ પાવર હાઉસ આવેલું છે. પ્રત્યેક ૨૦૦ મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતા કુલ છ રિવર્સેબલ ટર્બાઈન જનરેટર અહીં છે.
ગોડબોલે ગેટઃ
આ ગેટ દ્વારા સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં પાણી પાછું છોડવામાં આવે છે. પરિણામે સમગ્ર જીવસૃષ્ટિને ચેતનવંતી રાખવામાં મદદ મળી રહે છે.
મુખ્ય કેનાલનું મુખ્ય રેગ્યુલેટરઃ
સરદાર સરોવર ડેમનું આ એ એક અસાધારણ સ્ટ્રક્ચર છે. ૮૨.૬ મિટર લાંબા આ રેગ્યુલેટરમાં ૧૨.૨૦ મિટર બાય ૧૩.૫૦ મિટર લાંબા પાંચ વર્તુળાકાર ગેટ છે. આ રેગ્યુલેટરથી જ ૪૫૮ કિલોમીટર લાંબી નર્મદા કેનાલનો પ્રારંભ થાય છે. નર્મદા કેનાલ તેની ૪૦,૦૦૦ ક્યુબિક ફૂટ પ્રતિ સેકન્ડની ક્ષમતા સાથે જળસિંચાઈ માટેની સૌથી વિશાળ કોંક્રિટાઈઝ્ડ કેનાલ છે. વાર્ષિક આશરે ૧૧.૭ બિલિયન ક્યુબિક મિટર પાણીનું વહન આ કેનાલ દ્વારા કરાય છે.
મધ્ય ભારતની પશ્ચિમ દિશામાં વહેતી સૌથી વિશાળ નદી નર્મદા મધ્ય પ્રદેશમાં અમરકંટક પર્વતમાળાએથી ઉદભવીને અરબી સમુદ્રમાં ભળી જાય છે.
નર્મદા નદી પર બાંધવામાં આવેલા આ ડેમ પર ખાસ ફાળવવામાં આવેલા સ્થળે પ્રવાસીઓ બોટિંગની મજા માણી શકે છે. એક કલાકનું આ બોટિંગ મુલાકાતીઓને છેક મહારાષ્ટ્રની બોર્ડર સુધી લઈ જાય છે.
શૂળપાણેશ્વર વાઈલ્ડલાઈફ સેન્ચ્યુરીઃ આ અભયારણ્ય આશરે ૬૦૭.૭૦ ચોરસ કિલોમીટરના ક્ષેત્રફળમાં ફેલાયેલું છે. અહીં રાજપીપળાનાં ડુંગરોની પાર્શ્ચભૂમિએ બે મોટાં જળાશય આવેલાં છે. આસપાસનું ગાઢ જંગલ માત્ર હરિયાળી જ નહીં, પરંતુ જીવસૃષ્ટિ માટે ઉત્તમ રહેણાંક પણ પૂરું પાડે છે. આ અભયારણ્યમાં નર્મદા નદીના કાંઠે આવેલા શિવ ભગવાનના ઐતિહાસિક મંદિર શૂળપાણેશ્વર પરથી આ અભ્યારણ્યનું નામ પાડવામાં આવ્યું છે.અહીંની વનસૃષ્ટિમાં હરિયાળીથી લઈને પાનખર જંગલોનો પણ સમાવેશ થાય છે.
અહીં લગભગ ૫૭૫ પ્રકારના પુષ્પજન્ય છોડની પ્રજાતિ જોવા મળે છે, જેમાં ટિમરુ, આમળા, ખેર, અરીઠા, સાદડ, તણછ, કરંજ, બામ્બૂ, મહુડા, બોર, હેરડે, આસોપાલવ વગેરેનો સમાવેશ થાય છે. આ અભ્યારણ્યમાં ૩૨ પ્રજાતિનાં સસ્તન તથા સરિસૃપ પ્રાણીઓ જોવા મળે છે.
તે ઉપરાંત ૧૯૮ પ્રકારનાં પક્ષીઓ અને પ્રાણીઓ જેવાં કે રીંછ, દીપડા, વાંદરા, મંગૂસ, ભારતીય સિવેટ બિલાડી, શાહુડી, ચાર શિંગડાવાળી નીલગાય, હરણની વિવિધ પ્રજાતિઓ જેવી કે ચિતલ હરણ, બાર્કિંગ ડીઅર ઉપરાંત કીડીખાઉ, ઊડતી ખિસકોલી, અજગર, સાપ, ગરોળી, કાચબા વગેરે જોવા મળે છે. આ અભ્યારણ્યમાં ઊડતી ખિસકોલી વિશેષ રૂપે જોવા મળે છે.
શૂળપાણેશ્વર મંદિરઃ સરદાર સરોવર ડેમને કારણે મૂળ શૂળપાણેશ્વર મંદિર પાણીમાં સમાઈ ચૂક્યું છે. અલબત્ત, રાજપીપળા નજીક નવા શૂળપાણેશ્વર મંદિરનું નિર્માણ કરાયું છે. શિવ ભગવાને તેમના ભાલ (કપાળ) પર શૂળ કે ત્રિશૂળ ધારણ કર્યું હોય એવી પ્રતિમાને કારણે તેને શૂળપાણેશ્વર નામ આપવામાં આવ્યું છે.
રાજપીપળાઃ સરદાર સરોવર ડેમથી ૩૬ કિલોમીટરના અંતરે રાજપીપળા આવેલું છે. એ સમયે રાજપીપળા તેના મહેલો માટે વખણાતું હતું અને સમગ્ર રજવાડાનું કેન્દ્રબિન્દુ હતું. આખા વર્ષ દરમિયાન આ મહેલમાં ભોજપૂરી ફિલ્મોનું શૂટિંગ ચાલતું રહે છે.
ચાણોદઃ નર્મદા, ઓરસંગ અને સરસ્વતી નદીના સંગમે વસેલું મંદિરોનું શહેર છે. નદીઓના સંગમે આવેલું હોવાથી તે પવિત્ર શહેર ગણાય છે. કાશી વિશ્વનાથ મહાદેવનું મંદિર અને તેના મુખ્ય આકર્ષણ જેવા ભીંતચિત્રોની અહીં મુલાકાત લઈ શકાય છે.
ગરુડેશ્વરઃ ગરુડેશ્વર મહાદેવનું મંદિર અહીં પ્રખ્યાત છે. રાજપીપળા નજીક નર્મદા નદીના ઉત્તર કિનારે શિવ ભગવાનનું આ ઐતિહાસિક મંદિર આવેલું છે. આ મંદિર લગભગ ૨૦૦૦ વર્ષ જૂનું છે. ભગવાન શિવે આસૂરી શક્તિઓનો સંહાર કરવા માટે ગરુડનું સ્વરૂપ ધારણ કર્યું હતું એ દંતકથા પર આ મંદિર આધારિત હોવાથી એ ગરુડેશ્વર તરીકે જાણીતું થયું છે.
કરનાળીઃ કુબેર ભંડારી મંદિર માટે કરનાળી જાણીતું છે. કહેવાય છે કે આ મંદિર આશરે ૨૫૦૦ વર્ષ જૂનું છે. આ મંદિરમાં શિવ ભગવાનની કુબેર ભંડારીના સ્વરૂપમાં પૂજા કરવામાં આવે છે.
કરજણ ડેમઃ નર્મદા નદીની ઉપનદી કરજણ નદી પર આવેલો આ બંધ ૯૦૩ મિટર લાંબો અને ૧૦૦ મિટર ઊંચો કોંક્રિટનો ગ્રેવિટી ડેમ છે. આ બંધમાં જળસિંચાઈ માટે ૬૦૩ મિલિયન ક્યુબિક પાણીનો સંગ્રહ થઈ શકે છે. રાજપીપળાથી ૧૦ કિલોમીટરના અંતરે આ બંધ આવેલો છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટીના મુલાકાતીઓ માટે નાઈટ ટ્રેકિંગ એ પ્રકૃતિની સમીપ જવાનો એક અનન્ય મોકો પૂરો પાડે છે. કેવડિયાનાં જંગલોમાં વન અને જીવસૃષ્ટિને રાત્રે નિહાળવાનો અવસર આ ટ્રેકિંગથી મુલાકાતીઓને મળી રહે છે. મુલાકાતીઓ વન વિભાગ સાથે જોડાઈને રાત્રે પગપાળા પેટ્રોલિંગનો લહાવો પણ લઈ શકે છે.
વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળાના સંગમે તથા નર્મદાના પવિત્ર જળે વિકસિત થયેલા જંગલનાં રમણીય દૃશ્યો અહીં નજરે ચડે છે. ચોમાસામાં આ ટ્રેકિંગમાં શૂળપાણેશ્વર વાઈલ્ડ લાઈફ સેન્ચ્યુરીનું સૌંદર્ય પણ ઉમેરાય છે.
પ્રકૃતિના વણખેડાયેલા સૌંદર્ય ઉપરાંત નિશાચરોની સૃષ્ટિને આ ટ્રેકિંગ દરમિયાન નિહાળીને ઉત્તેજનાનો અનુભવ થશે. આ ટ્રેકિંગ દરમિયાન વન વિભાગના ગાર્ડ્સ તમારી સાથે રહે છે. જેથી તમારી સુરક્ષા નિશ્ચિત થાય છે.
પક્ષીઓને એમના કુદરતી વાતાવરણમાં નિહાળવું એટલે જ બર્ડ વોચિંગ. વીસમી સદીમાં પ્રસિદ્ધ અને વિકસિત થયેલો આ શોખ એક વૈજ્ઞાનિક રમત પણ છે.
ભારતની સમૃદ્ધ પ્રાકૃતિક ભૌગોલિક પરિસ્થિતિને કારણે અનેક વિદેશી પક્ષીઓ પણ ભારત આવે છે. અને, ભારતના પક્ષીઓને એમના કુદરતી વાતાવરણમાં નિહાળવા માટે બર્ડ વોચિંગ ટુરથી વિશેષ કોઈ વિકલ્પ ના હોઈ શકે.
ભારતના પક્ષીપ્રેમીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીની નજીક આવેલું શૂળપાણેશ્વર અભયારણ્ય પક્ષીપ્રેમીઓને બર્ડ વોચિંગની આવી જ એક સુંદર તક આપે છે. ગાઢ જંગલ અને અવિરત વહેતી નર્મદા નદીને કારણે પક્ષીઓ માટે આ વિસ્તાર ઉત્તમ રહેણાંક પુરવાર થાય છે. સરપન્ટ ઈગલ, શિકરા, ગ્રેટ હોર્ન્ડ ઘુવડ, ગ્રે હોર્નબિલ, લાલ અને ગ્રે જંગલી મરઘીઓ ઉપરાંત અનેક પ્રકારના પક્ષીઓ આ જંગલમાં જોવા મળે છે.
બર્ડ વોચિંગ ટૂર્સ તમને પક્ષીઓને એમના કુદરતી વાતાવરણમાં જોવા તથા તેમના કલબલાટને સાંભળવાની અનન્ય તક પૂરી પાડે છે.
પ્રવાસીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટીથી પાછા ફરતી વખતે યાદગીરીરૂપે હેટ્સ, ટી-શર્ટ્સ, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ વગેરે પોતાની સાથે લઈ શકે છે. આ શોપિંગ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલી સોવિનિયર શોપમાંથી કરી શકાય છે.