Now, it will be mandatory for all visitors visiting the Statue of Unity & other tourist attractions to wear masks and follow COVID Protocols of the Govt. Please note : " No entry without Masks "

સરદાર પટેલના જીવનની સમયરેખા

સરદાર પટેલના જીવનની સમયરેખા

૧૯૧૮ ખેડા સત્યાગ્રહ

તત્કાલીન બ્રિટિશ સરકાર દ્વારા લાદવામાં આવેલ મહેસુલી-કર એ વર્ષે પાક નિષ્ફળ ગયો હોવાને કારણે તેમજ પ્લેગ ફાટી નીકળ્યો હોવાને કારણે ખેડૂતો ભરી શકે તેમ ન હોઇ બ્રિટિશ સરકારની જોહુકમીના વિરોધમાં ખેડૂતોએ ખેડા સત્યાગ્રહ કર્યો હતો. સરદાર પટેલ અને મહાત્મા ગાંધીજીના સમર્થકોના જૂથ દ્વારા ના-કર આંદોલન શરૂ કરાયું હતું, જેને બાદમાં ખેડા જિલ્લાના તમામ સમુદાયોનું સમર્થન મળ્યું હતું. ખેડાના લોકોએ પાક નિષ્ફળ ગયો હોવાને કારણે એ વર્ષ પૂરતી વેરામાફી માટે સરકારને અરજી કરી હતી. પરંતુ સરકારે તેના પ્રથમ પગલારૂપે તમામ લાભો રદ કરીને વેરાની વસૂલાત માટે મિલકતો ટાંચમાં લેવાનું શરૂ કર્યું હતું. જોકે ખેડૂતોનો મિજાજ જોઈને બાદમાં બન્ને પક્ષે એક સમજૂતી થઈ હતી, જે અંતર્ગત બીજા વર્ષનો વેરો નાબૂદ કરવાનું અને વધારેલા દરને ઘટાડવાનું નક્કી થયું હતું. તેમજ જે મિલકતો ટાંચમાં લેવાઇ હતી તેને પરત આપવાનું પણ સમજૂતી કરારમાં નક્કી થયું હતું. સરદાર પટેલની આગેવાનીમાં થયેલા આ સત્યાગ્રહમાં ખેડૂતોનો વિજય થતાં નડિયાદમાં તેની ઉજવણી કરવામાં આવી હતી.

૧૯૨૮ પ્રમુખપદેથી રાજીનામું

૧૯૨૮ની ૧૪મી એપ્રિલે અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે રાજીનામું આપ્યું હતું. ભ્રષ્ટાચારના આક્ષેપો જેની સામે થયા હતા એવા ઓફિસર આઇ. આર. ભગતની નિમણૂકના વિરોધમાં તેમણે આ પગલું ભર્યું હતું. એ પછી અનેક વાર વિનંતીઓ કરવા છતાં પણ અમદાવાદ મ્યુનિસિપાલિટીના પ્રમુખપદે તેઓ કદી પરત ફર્યા ન હતા.

વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં યોજાયેલો ૧૯૨૮નો બારડોલી સત્યાગ્રહ સવિનય કાનૂન ભંગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સત્યાગ્રહે ભારતની આઝાદીની ચળવળમાં સરદાર પટેલને નેતૃત્વને મુખ્ય પ્રવાહમાં લાવી દીધું હતું. આઝાદીની ચળવળનો એ મહત્ત્વનો વળાંક હતો. ખેડૂતો પાસેથી જમીનના કરવેરા, મહેસૂલની આપખુદશાહી રીતે કરાઇ રહેલી વસૂલાતના વિરોધમાં બારડોલી સત્યાગ્રહ કરાયો હતો. જમીન-મિલકતો પાક અને પશુધનને ગીરવે મૂકીને પણ ખેડૂતો ઊંચા કરવેરા ભરી શકે એવી સ્થિતિમાં નહોતા. જમીન-મહેસુલના વધારા અને તેની વસૂલાતને માટે સરકારે એક સમિતિ રચી હતી. જેનો સૌ ખેડૂતોએ વલ્લભભાઈ પટેલની આગેવાનીમાં સંગઠિત થઈને ઉગ્ર વિરોધ કર્યો હતો, જેના લીધે અંગ્રેજ સરકારે પોતાનો જ નિર્ણય પાછો ખેંચવો પડયો હતો. લોકોને સંગઠિત કરીને સફળ સત્યાગ્રહ કરવા બદલ વલ્લભભાઈ પટેલને સરદારનું બિરુદ અપાયું. પછી તો વલ્લભભાઈ પટેલ સરદાર પટેલના નામથી લોકોના હૈયામાં વસી ગયા.

૧૯૩૦ની દાંડી કુચ

અંગ્રેજ સરકારે નમક પર લાદેલા વેરાના વિરોધમાં મહાત્મા ગાંધીજીએ ઐતિહાસિક દાંડીકુચ યોજી હતી, જે ભારતના સ્વાતંત્ર સંગ્રામ નું એક મોટું સિમાચિહન બની રહી. આણંદ નજીકના રાસ ગામે ૧૯૩૦ની ૭મી માર્ચના રોજ સરદાર પટેલની ધરપકડ થઇ હતી. મીઠા સત્યાગ્રહમાં જોડાવા માટે અને તેને માટે લોકમત ઉભો કરવા માટે સરદાર પટેલ રાસ ગામે પ્રવચન આપવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમની ધરપકડ કરાઇ હતી. ૩૧મી જુલાઈના રોજ મુંબઇ ખાતે લોકમાન્ય ટિળકની મૃત્યુતિથિએ યોજાયેલા સરઘસમાં આઝાદ મેદાન ખાતે સરદાર પટેલ જાહેર સભા સંબોધતા હતા ત્યારે તેમની ધરપકડ કરાઈ હતી. બાદમાં તેમને ત્રણ મહિના કેદની સજા કરાઇ હતી.

આ પછી પહેલી નવેમ્બરના રોજ સરકારી નીતિઓ અને વિરુદ્ધમાં જાહેરમાં પ્રવચન આપતી વખતે સરદાર પટેલની ફરી વાર ધરપકડ કરવામાં આવી હતી અને તેમને નવ મહિના જેલની સજા પણ કરાઇ હતી. જોકે બાદમાં તેમને મુક્ત કરાયા હતા. સરદાર વલ્લભભાઈ પટેલે પોતાના જીવનકાળ દરમિયાન છ વખત જેલવાસ થયો હતો

૧૯૪૭ ભારતની રાષ્ટ્રીય એકતા

૧૯૪૭ની પાંચમી જુલાઈએ તે વખતના રજવાડાઓ સાથે વાટાઘાટો કરવા માટે અલગ મંત્રાલયની રચના કરવામાં આવી હતી, જેના મંત્રી તરીકે સરદાર પટેલને મૂકવામાં આવ્યા હતા. તેમણે અત્યંત ટૂંકા ગાળામાં મોટા ભાગનાં રજવાડાઓને ભારતીય સંઘમાં જોડાવા માટેના કરાર પર સહી કરવા માટે તૈયાર કરી દીધા હતા.

આ રીતે ઈતિહાસમાં સૌપ્રથમ વાર તેઓએ એક રાષ્ટ્ર તરીકે દેશના સુશાસનની પ્રક્રિયામાં જોડાવા માટે સૌને તૈયાર કરવામાં વિરલ સફળતા મેળવી હતી.

૧૫મી ઓગસ્ટના રોજ આખરે ભારતને આઝાદી મળી હતી. સરદાર પટેલને એ વખતે દેશના નાયબ વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા

૨૬મી ઓક્ટોબરે મહારાજા હરિસિંહે કાશ્મીરને ભારતીય સંઘમાં સામેલ કરવાની જાહેરાત કરી હતી. સરદાર પટેલે રક્ષણ માટે ભારતીય લશ્કરને કાશ્મીર મોકલ્યું હતું

૯ નવેમ્બર જૂનાગઢનો વિવાદ

રજવાડાઓના વિલીનીકરણ દરમિયાન જૂનાગઢનો મોટો વિવાદ સર્જાયો હતો. લોર્ડ માઉન્ટ માઉન્ટબેટને જૂનાગઢના વિવાદને યુનોમાં લઈ જવાની સલાહ આપી હતી. જોકે સરદાર પટેલે જૂનાગઢ રાજ્યને ભારતના સંઘમાં જોડવા માટે તત્કાલીન ભારત સરકારને જણાવ્યું હતું . અને આરઝી હૂકૂમતની મદદ વડે જૂનાગઢને ભારતમાં જોડાયું હતું

૧૩ નવેમ્બર સોમનાથની મુલાકાત

સૌરાષ્ટ્રના સાગરકિનારે આવેલા જ્યોતિર્લિંગ સોમનાથ મંદિરની મુલાકાત લઇને સરદાર પટેલે જાહેર ફંડમાંથી મંદિરના પુનર્નિર્માણનો નિર્ણય કરાવ્યો હતો.

Close Menu