લોહ અભિયાન

ભારતના લોહપુરુષ સરદાર પટેલ કે જેમની નિષ્ઠા અને સૂઝબૂઝે રજવાડાઓના વિલિનિકરણ અને એક ભારતના નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવી એમને વંદન કરવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ કરવામાં આવ્યું છે. સરદારે ખેડૂતો માટે અનેક ચળવળો કરી હોવાથી આ અભિયાન અંતર્ગત ખેડૂતોને સાંકળવાનું નક્કી કરાયું હતું. ખેડૂતો પોતાના વાપરેલા કૃષિ સાધનો દાનમાં આપે અને એમાંથી લોખંડ તારવીને તેનો સ્ટેચ્યુના બાંધકામમાં ઉપયોગ કરાયો છે. ગુજરાત સરકારના નેતૃત્વ હેઠળ હાથ ધરાયેલા આ લોહ અભિયાને ખેડૂતોને તેમના અધિકારો માટે સૌથી વધારે ચળવળ કરનારા તેમના નેતા એટલે કે સરદાર સાથે જોડવાનું મહત્વનું કાર્ય કર્યું. દેશના ખેડૂતો દ્વારા સરદારને અનોખી અંજલિરૂપે કુલ ૧,૬૯, ૦૭૮ સ્થળોએથી માટી તથા ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાયેલા ઓજારો આ પ્રોજેક્ટ માટે એકત્ર કરાયા હતા. આ લોહ અભિયાન અંતર્ગત ખેડૂતો પાસેથી એકત્ર કરાયેલું લોખંડ ઓગાળીને તેનાં સળીયા બનાવવામાં આવ્યા જેનો ઉપયોગ સ્ટેચ્યુના નિર્માણમાં કરવામાં આવ્યો છે. વિવિધ જગ્યાએથી એકત્ર કરાયેલી માટી દ્વારા વોલ ઓફ યુનિટીનું નિર્માણ કરાયું છે.