Now, it will be mandatory for all visitors visiting the Statue of Unity & other tourist attractions to wear masks and follow COVID Protocols of the Govt. Please note : " No entry without Masks "

સરદાર વલ્લભભાઈ પટેલ

પ્રારંભિક જીવન

સરદાર વલ્લભભાઈ પટેલનું

જન્મ: ૩૧ ઑકટોબર, ૧૮૭૫

જન્મસ્થળ: નડિયાદ, ગુજરાત

બાળપણ અને શૈક્ષણિક કારકિર્દી: કરમસદ, પેટલાદ અને નડિયાદ

માતાપિતા: પિતા ઝવેરભાઈ – ખેડૂત, માતા લાડબાઈ – ગૃહિણી

પત્ની: ઝવેરબા, જેઓ ખૂબ નાની વયે ૧૯૦૯માં મૃત્યુ પામ્યાં હતાં

બાળકો: પુત્રી મણિબેન (જન્મ ૧૯૦૩), પુત્ર ડાહ્યાભાઈ (જન્મ ૧૯૦૫)

અવસાન: ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦ – બિરલા હાઉસ, મુંબઈ

સરદાર વલ્લભભાઈ પટેલ

વલ્લભભાઈ પટેલ (૩૧ ઓક્ટોબર, ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર, ૧૯૫૦) ભારતની એકતા અને અખંડીતતાના પ્રતિક હતા. બ્રિટીશરો વખતના ભારતમાં થયેલ ખેડૂત આંદોલનોના મુખ્ય નેતા હતા. બ્રિટિશકાળમાં સ્વતંત્રતા અને ભારતને એક રાખવા માટે દેશના રાજકીય તથા સામાજિક નેતા તરીકે તેમણે સૌથી મોટું પ્રદાન કર્યું હતું. તેઓ ‘ભારતના લોખંડી પુરુષ’ તરીકે ઓળખાયા હતા. બારડોલીમાં ખેત-મહેસુલમાં કરેલા અન્યાયી વધારાની સામેની લડાઈમાં મળેલી જીત બાદ તેમને ‘સરદાર’ નામ આપવામાં આવ્યું હતું.

વ્યવસાયે વકીલ તરીકેની સફળ કારકિર્દી દરમિયાન સૌથી પહેલા તેઓ મહાત્મા ગાંધીની વિચારધારાથી પ્રેરાયા હતા. ગુજરાતમાં ખેડા, બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને સંગિઠત કરીને અંગ્રેજોની જુલમી નીતિ સામે વિવિધ અહિંસક સત્યાગ્રહ આંદોલનો કર્યા હતા. મહાત્મા ગાંધીના માર્ગદર્શન હેઠળ તેઓ ગુજરાતના પ્રભાવશાળી નેતા તરીકે ઊભરી આવ્યા હતા. ૧૯૩૧માં કરાંચી કોંગ્રેસ સત્રમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસનું નેતૃત્વ કરવાથી યુવા નેતા તરીકેનું તેમનું વ્યક્તિત્વ બહાર આવ્યું હતું. એ જ પ્રકારે ૧૯૩૧થી પક્ષના તમામ કાર્યક્રમોમાં તેઓ આગળ પડતા રહેતા હતા. તેમણે ૧૯૩૪ અને ૧૯૩૭ની ચૂંટણીમાં પક્ષને સંગઠિત કરીને ‘ભારત છોડો’ આંદોલનમાં ભાગ લીધો હતો. ૧૯૪૨માં ‘ભારત છોડો’ આંદોલનને કારણે તેમની સાથે મોટા ભાગના નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી.

ભારતના પહેલા ગૃહપ્રધાન તથા નાયબ વડા પ્રધાન તરીકે સરદાર વલ્લભભાઈ પટેલે પંજાબ અને દિલ્હીના નિરાશ્રિતો માટે સહાયનું આયોજન કર્યું હતું. સરદાર પટેલે ૫૬૨ દેશી રજવાડાં અને અંગ્રેજોના જમાનાની રિયાસતોને એકત્રિત કરીને એક અને અખંડ ભારતનું બીડું ઝડપ્યું હતું.

તેમનું નેતૃત્વ, નિખાલસ મુત્સદીગીરી અને લશ્કરનો ઉપયોગ કરવાના કારણે દરેક રજવાડાઓ ભારત સાથે જોડાવા સંમત થયાં હતાં. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાતા સરદાર પટેલને ઓલ ઈન્ડિયા સિવિલ સર્વન્ટ્સના સ્થાપક એટલે કે ‘પેટ્રન સંત’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

સરદાર પટેલ ભારતમાં સંપત્તિ હકો અને મુક્ત ઉદ્યોગના પ્રારંભિક સમર્થકોમાંના એક  હતા. મૂળભૂત અધિકારો, લઘુમતીઓના અધિકાર, પ્રાંતીય બંધારણો અને અનુસૂચિત ક્ષેત્રોની સરહદોની સીમાંકન પર બંધારણીય સમિતિના અધ્યક્ષ તરીકેનું તેમનું યોગદાન ભારતીય બંધારણના આધારસ્તંભ સમાન છે.

સરદાર વલ્લભભાઈ પટેલે તેમના નેતૃત્વ દ્વારા ભારતને સંગઠિત રાખવાની પડકારજન્ય કામગીરીમાં મહત્તવની ભૂમિકા ભજવી હતી. આઝાદી પછીના ભારતનિર્માણમાં તેમનું મહત્ત્વનું પ્રદાન રહ્યું છે. ભારતના સૌથી પ્રથમ ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન તરીકે સુચારુ અને સુ-રાજ શાસન કરવાનો તેમણે ઉદ્દેશ રાખ્યો હતો. તેઓ હંમેશાં વૈમનસ્યથી દૂર રહેતા અને લોકોને એક રાખવામાં માનતા. આઝાદીની લડતમાં અલગ અલગ જાતિ-સમુદાયના લોકોને સાથે લઈને ચાલવા ઉપરાંત તેમણે ભારતના ખેડૂતોને કાર્યશીલ બનાવ્યા હતા.

આઝાદીની લડતમાં સરદાર જોડાયા પહેલા વકીલ તરીકેની કારકિર્દીમાં તેમના દૃઢ અને મજબૂત મનોબળનું પ્રતિબિંબ જોવા મળે છે. બુદ્ધિશાળી પ્રતિભાને કારણે તેઓ હંમેશાં બેરીસ્ટર બનવા માગતા હતા. અલબત્ત, એ દિવસોમાં આવું સ્વપ્ન પૂર્ણ કરવા માટે ઈંગ્લેન્ડ જવું પડતું. સાધારણ ખેડૂત પરિવારમાં જન્મેલા સરદાર માટે ભારતની સામાન્ય કોલેજમાં ભણવા માટેના પણ પૈસા નહોતા કે ઈંગ્લેન્ડ પ્રવાસ કરવાનું પણ તેમના માટે શક્ય નહોતું.

 

આમ છતાં એ યુવાનના દૃઢ મનોબળને કારણે અનેક અવરોધો - અડચણો છતાં પોતાનું સપનું સાકાર કરવા માટે જાતમહેનતથી ભણ્યા અને વકીલ મિત્ર પાસેથી ઉછીના પુસ્તકો લઈ જઈને ઘરે બેસીને વાંચતા. ત્યારબાદ તેઓ એ કોર્ટ સેશનમાં હાજરી આપવાનું શરૂ કરી કોર્ટમાં થતી દરેક દલીલોને ધ્યાનમાં રાખતા અને સમજતા. પરિણામે તેઓ સફળતાપૂર્વક વકીલાતની પરીક્ષામાં ઉત્તીર્ણ થયા હતા અને ગોધરામાં વકીલ તરીકેની પ્રેક્ટિસ શરૂ કરી હતી.

 

સરદારના વ્યક્તિત્વની અન્ય ઉજળી બાજુ પાછળથી પ્રકાશમાં આવી હતી. વિદેશમાં ફરવા માટે નાણાકીય રીતે સદ્ધર થયા ત્યારે સૌથી પહેલા તેમણે પોતાના મોટા ભાઈ વિઠ્ઠલભાઈને ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ મોકલ્યા હતા. વિઠ્ઠલભાઈ પણ વ્યવસાયે વકીલ હતા. પોતાના મોટા ભાઈ ઇંગ્લેન્ડથી ભણીને પરત ફર્યા ત્યાર બાદ જ તેઓ ૧૯૧૦માં ઇંગ્લેન્ડમાં ભણવા માટે રવાના થયા હતા. જ્યાં બેરિસ્ટર-એટ-લોની પરીક્ષામાં તેઓ પ્રથમ ક્રમાંકે ઉત્તીણ થયા હતા. ૧૯૧૩માં તેઓ ઇંગ્લેન્ડથી પરત ફર્યા હતા.

ગોધરામાં  મહાત્મા ગાંધી સાથેની મુલાકાત બાદ તેમનાથી પ્રેરાઈને સરદારે આઝાદીની લડતમાં આગેવાની લીધી ત્યારબાદ તેઓ આજીવન ગાંધીજીના મિત્ર બની રહ્યા હતા. તેમાંય વળી ચંપારણ્ય સત્યાગ્રહમાં મળેલી સફળતા પછી તેઓ ગાંધીજીના પ્રવૃત્તિઓ-કામગીરીને અનુસરતા થયા હતા.

 

સરદાર માટે મહત્ત્વની ઘડી ૧૯૧૮માં આવી હતી જ્યારે ખેડામાં પૂર આવ્યું ત્યારે સમગ્ર જિલ્લામાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ખેડૂતોએ અંગ્રેજોને ટેક્સમાંથી રાહત આપવાની અપીલ કરી હતી, પરંતુ તેમને કોઈ પણ પ્રકારની મદદ અંગ્રેજોએ આપી નહોતી. પરિણામે સરદાર ગાંધીજી સાથે અંગ્રેજા વિરુધ્ધની આ લડતમાં જોડાયા હતા.

 

આ લડતમાં ગાંધીજી એમની પોતાની ગેરહાજરીમાં ખેડૂતો માટે લડત લડે એવી વ્યક્તિની શોધમાં હતા ત્યારે સરદારે સ્વેચ્છાએ બીડું ઝડપી લીધું હતું. તેઓ ક્યારેય કોઈ અધૂરા મનથી કામ કરતા નહોતા અને તેથી જ તેમણે શરૂઆત કરી. વકીલાત છોડી દઇ અને અંગ્રેજોના સામેના અસહકારના આંદોલન દરમિયાન ખાદીના વસ્ત્રો પહેરવાનો પણ પ્રારંભ કર્યો. પરિણામ ધાર્યા પ્રમાણે જ આવ્યું. ટેક્સ પાછો ખેંચવા માટે અંગ્રેજ સરકાર સાથે વાટાઘાટ કર્યા પછી સરદારની શરતોને આધારે ટેક્સમાં રાહત આપવા અંગ્રેજો સહમત થયા હતા. આ તેમની સૌથી મોટી સફળતા હતી, ત્યારબાદ ધરતી પુત્ર કહેવાતા સરદારને પાછા વળીને જોવાની નોબત આવી નહોતી.

અમદાવાદ માટે સ્વચ્છ અને આયોજિત વહીવટ માટેનો માર્ગ તૈયાર કરવા માટે સરદાર શહેરના વહીવટમાં જોડાયા હતા. આઝાદીની લડત પૂર્વે તેઓ અમદાવાદના દરિયાપુર મતક્ષેત્રમાં થી ૫ જાન્યુઆરી ૧૯૧૭માં એક મતથી જીતીને ચૂંટાઈ આવ્યા હતા. એ વખતે તેઓ વકીલાતની પ્રેક્ટિસ કરતા હતા. ૧૯૨૪માં તેઓ અમદાવાદ પાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. પાલિકાના પ્રમુખ તરીકે ચૂંટાયા પછી તેઓ ૧૯૨૮ સુધી આ પદે રહ્યા હતા. પ્રમુખ તરીકેના કાર્યકાળ દરમિયાન તેમણે શહેરમાં વીજળી, પાણી, શૈક્ષણિક સુધારા કરવાની સાથે જાહેર કલ્યાણની અનેક યોજના શરૂ કરી હતી.

ખેડા સત્યાગ્રહ, નાગપુર ધ્વજ સત્યાગ્રહ અને બોરસાદ સત્યગ્રહની સફળતા બાદ ૧૯૨૮માં સરદાર પટેલે ફરી એક વખત બારડોલીમાં ખેડૂતો વતી જમીન કરમાં કરાયેલા મનમાન્યા વધારાના વિરોધમાં અવાજ ઉઠાવ્યો. બ્રિટિશરોના કરવેરાને લાગતા કડક કાયદા પર મેળવેલા આ વિજય માટે સરદારે ખેડૂતોને એક કર્યા અને તેમને કર પેટે એક પણ પૈસો નહીં ભરવાનું જણાવ્યું. જ્યાં સુધી બ્રિટિશ સરકાર ઝૂકી નહીં ત્યાં સુધી સરદારે લડત આપી. આ ઉપરાંત ૧૯૩૦માં તેમણે સવિનય કાનુન ભંગની લડતમાં ભાગ લીધો એ બદલ ૭મી માર્ચ ૧૯૩૦ના રોજ તેમની ધરપકડ કરાઇ. બાદમાં તેમને છોડી મૂકાયા અને ૧૯૩૧માં કરાચીમાં યોજાયેલા અધિવેશનમાં તેઓ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યા. ઓગસ્ટ - ૧૯૪૨માં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસે ભારત છોડો ચળવળ શરૂ કરી હતી. તેના માટે અન્ય સ્વતંત્ર્યસેનાનીઓ સાથે સરદારને પણ ત્રણ વર્ષ જેલની સજા કરવામાં આવી.

ભારત સ્વતંત્ર થયા બાદ ૫૬૨ રજવાડાના કેટલાક મહારાજા અને નવાબોને લાગ્યું કે બ્રિટિશરોના આગમન પહેલા તેઓ જે રીતે રાજ કરતા હતા એમ ફરી તેમના રજવાડા પર સ્વતંત્રપણે રાજ કરી શકશે. સ્વતંત્ર ભારતની સરકાર સમક્ષ તેમણે એવી દલીલ પણ કરી કે તેમને સમાન દરજ્જો આપવામાં આવે. જોકે સરદાર પટેલ પોતાની સૂઝબૂઝ, દૂરંદેશી અને વ્યુહાત્મક કૌશલ્યને કારણે જ સ્વતંત્ર ભારતમાં રજવાડાઓના વિલનીકરણ માટે રાજા-નવાબોને સમજાવવામાં સફળ રહ્યા હતા.

મહત્વના તથ્યો:

  • તેમણે ૧૯૧૮માં ખેડા, ૧૯૨૪ બોરસદ અને ૧૯૨૮માં બારડોલીમાં ખેડૂતોના સત્યાગ્રહનું સફળ નેતૃત્વ કર્યુ

  • ૧૯૨૪માં અમદાવાદ સુધરાઈના અધ્યક્ષપદે ચૂંટાઈ આવ્યા અને ૧૯૨૮ સુધી કામ કર્યું

  • ૧૯૩૧માં કરાચીમાં યોજાયેલા અધિવેશનમાં ઈન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષપદે ચૂંટાયા.

  • સ્વતંત્ર ભારતના પહેલા નાયબ વડાપ્રધાન, ગૃહ ખાતા તેમ જ માહિતી અને પ્રસાર ખાતાના અને દેશી રજવાડાઓ અંગેના ખાતાના પ્રધાન બન્યા

  • સ્વતંત્રતા બાદ અખંડ ભારતના ઘડવૈયા

  • ૧૯૫૦ સુધી અલગ અલગ પ્રસંગે તેમણે ચાર વખત ભારતના વડાપ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો

  • સમિતિના અધ્યક્ષ હોવાના નાતે ભારતીય બંધારણના મહત્ત્વના વિષયો અને જોગવાઈઓના ઘડતરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી

  • ૧૯૯૧માં સરદારને મરણોત્તર ભારત રત્નથી નવાજવામા આવ્યા.

Close Menu