ભારત વન
વેલી ઓફ ફ્લાવર્સ: ૨૪ એકર જમીનમાં ફેલાયેલી વેલી ઓફ ફ્લાવર્સમાં (ભારત વન તરીકે જાણીતી) નર્મદા નદી કિનારે રંગીન ફૂલોના છોડ્નુ વાવેતર કરવામાં આવ્યું છે. ૨૦૧૬ માં ૪૮,૦૦૦ છોડ સાથે શરુ કરવામાં આવેલી વેલી ઓફ ફ્લાવર્સમાં છોડ-વાવેતરની સંખ્યા ૨૨,૦૦,૦૦૦ સુધી પહોચીં છે. વળી, ઉદ્યાનો, ફોટો બૂથ અને કેટલાક સેલ્ફી પોઇંટ પણ ઊભા કરવામાં આવ્યા છે. જેથી મુલાકાતીઓ તેમની મુલાકાતના લાગણીસભર સંભારણા સાચવી શકે. અહી મેઘધનુષના આકારે ફૂલો ઉગાડવામાં આવ્યા છે.
આ ઉદ્યાનમાં ૩૦૦થી વધારે પ્રકારના ફૂલોનું વાવેતર કરવામાં આવ્યું છે. ખુશ્બુદાર ફૂલો, વૃક્ષો, જડીબુટીઓ, લત્તાઓ અને વેલાના વાવેતરથી જુદા જુદા રંગોના સમન્વયથી આચ્છાદિત આ વિસ્તાર ઘણો હરિયાળો બન્યો છે. આ તમામ પ્રજાતિઓના સમન્વયથી આ સમગ્ર વિસ્તાર સદાબહાર બન્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનું રોમાંચક દ્રશ્ય મુલાકાતીઓને હંમેશા મંત્રમુગ્ઘ કરતું રહેશે. દરેક શિયાળામાં પાંગરતા આ ફૂલોથી મઢાતો વાઈબ્રન્ટ લેન્ડસ્કેપ અદભૂત કુદરતી દેણ છે.
ભારત વન એ વેલી ઓફ ફ્લાવર્સનો જ એક ભાગ છે. અહીં ૧૦ હેક્ટર જેટલા વિસ્તારમાં ૫ લાખથી વધારે પુષ્પોની પ્રજાતિઓ જોવા મળે છે. યોગ્ય માત્રામાં સુશોભનના વૃક્ષો, છોડવા, ઔષધીઓ, માત્ર રંગબેરંગી પુષ્પો જ નહીં, પરંતુ હરિયાળીની છાંટ ધરાવતા વૃક્ષો ભારત વનની શોભા વધારે છે. પુષ્પો અને છોડવાઓના સાયુજ્યને કારણે આ આખો વિસ્તાર અદભુત, સુંદર અને નયનરમ્ય બને છે. આંખોને જોતાં જ ગમે એવી આ જગ્યા પ્રવાસીઓને ચોક્કસપણે મંત્રમુગ્ધ કરી દેશે.