fbpx

શૂલપાણેશ્વર મહાદેવ મંદિર ધ્વજારોહણ

શૂલપાણેશ્વર મહાદેવ મંદિર

પ્રાચીન શૂલપાણેશ્વર મંદિર, નર્મદા નદી અને દેવગંગા નદીના સંગમ સ્થાને હાલના સરદાર સરોવર ડેમથી પાંચ કિલોમીટર ઉપરવાસમાં મણીબેલી ગામ (મહારાષ્ટ્ર) પાસે આવેલ છે.

આ મંદિર, સ્વયં ભગવાન શિવે સ્થાપ્યુ‍ હોવાની પૌરાણિક માન્યતાને આધારે તેમજ સ્વયંભૂ લિંગ હોવાના કારણે નર્મદા કિનારા પરના પવિત્ર તીર્થસ્થાનો પૈકીનું એક ગણાય છે.

હિન્દુ ધર્મના શાસ્ત્રો જેવા કે, અગ્નિમહાપુરાણ, સ્કંદ મહાપુરાણ, વાયુપુરાણ અને અન્ય પુરાણોમાં શૂલપાણેશ્વર મંદિરને નર્મદા નદીના કિનારા પરનું પવિત્ર તીર્થધામ ગણવામાં આવ્યું છે. તે ભૃગુ પર્વતના નામે જાણીતા પવિત્ર પહાડની ખૂબ નજીકમાં હતું અને ગાઢ જંગલો તેમજ શૂલપાણેશ્વર ધોધના નયનમનોહર રમ્ય વાતાવરણ માટે જાણીતું હતું. સ્કંદ પુરાણના જણાવ્યાનુસાર આ તીર્થ પાપનો નાશ કરનાર પરસુ એટલે કે કુહાડી સમાન છે.

ભગવાન શિવે રાક્ષસોનો નાશ ત્રીશૂલ વડે કર્યો હતો. આ ત્રિશૂલ ઉપર લોહીના ડાઘા જે પડેલ હતા એ દૂર થતાં ન હતા. શિવજી ભગવાન જંગલમાં ફરતાં ફરતાં ઉપરોક્ત જગ્યાએ આવ્યા હતા અને ત્યાં જમીનમાં ત્રિશૂલનો પ્રહાર કરતાં જમીનમાંથી પાણીની ધારા ઊડી હતી. આ પાણી વડે ત્રિશૂલ ઉપરના લોહીના ડાઘા દૂર થઈ ગયા હતા. આમ, ભગવાન શિવના ત્રિશૂલ ઉપરના લોહીના ડાઘા દૂર થતાં, ભગવાન શિવનું શૂલ (વેદના) પાણી દ્વારા દૂર થયા હતા. માટે અહીં મંદિરનું નામ શૂલપાણેશ્વર છે. સરદાર સરોવર બંધ બનાવાને કારણે, સરદાર સરોવર બનતા ફેબ્રુઆરી, ૧૯૯૪ માં આ મંદિર સરોવરમાં ડૂબી ગયું હતું. પણ ગુજરાત સરકાર દ્વારા નવું શૂલપાણેશ્વર મંદિરની જગ્યા ગોરા બ્રીજ પાસે, ડાબા કિનારે આવેલી ૧૬૦ ફૂટ ઊંચી ટેકરી ઉપર નિયત કરીને તારીખ ૦૭/૦૫/૧૯૯૪ ના રોજ નવા શૂલપાણેશ્વર મંદિરની શાસ્ત્રોક્ત વિધિવિધાન દ્વારા પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી.

આ જગ્યા અને મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તે સમયના શંકરાચાર્ય અને ધર્માચાર્યોના પરામર્શમાં રહીને કરવામાં આવી હતી. ત્યારથી, આશરે ૭૦ ફૂટની ઊંચાઈ ધરાવતું આ શિખરબંધી શૂલપાણેશ્વર મંદિર નર્મદા મૈયાની પરિક્રમા કરતાં પદયાત્રીઓ તેમજ શ્રધ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે.

આ જગ્યાએ દરવર્ષે ચૈત્ર વદ તેરસ, ચૌદસના રોજ સ્થાનિક તથા મહારાષ્ટ્રના ગિરિવાસી અને વનવાસી લોકોનો મેળો ભરાય છે. જેમાં મોટી સંખ્યામાં લોકો શૂલપાણેશ્વર મંદિરના દર્શનનો લાભ લે છે. શૂલપાણેશ્વર મંદિર વાસ્તવમાં એક શ્રધ્ધા અને આસ્થાનું પ્રતિક છે.  

Close Menu