નર્મદા મહા આરતી યજમાન

નર્મદા મહા આરતી
સમગ્ર જીવસૃષ્ટીને પોષણ આપનારી નદીને આપણી સંસ્ક્રુતિમાં માતાનું સ્થાન આપવામાં આવ્યું છે. ગુજરાત માટે આવી એક નદી એટલે नमामि देवी नर्मदे। (નમામી દેવી નર્મદે) બાળકની પુષ્ટિ અને સંસ્કાર માટે જેટલુ જરૂરી માતાનું દૂધ છે એટલુ જ મહત્વ આપણા માટે મા સમી નર્મદા નદીનું છે. नर्म या नर्मदा – જેના દર્શન માત્રથી આપણને નર્મ અર્થાત આનંદ મળે તેવી આપણી મા નર્મદા. નર્મ નો બીજો અર્થ સંસ્કૃતમાં રમવું પણ થાય છે જે આપણને શીખવે છે કે, જીવન એક રમત છે. ભારતવર્ષની પૌરાણિક માન્યતા અનુસાર ગંગા નદીમાં ડુબકી મારવાથી, તેમજ યમુના નદીનાં જળ આચમનથી પવિત્ર થવાય છે જ્યારે મા નર્મદાના દર્શન માત્રથી પવિત્ર થવાય છે. દેવી તેમજ લોકમાતા તરીકે પૂજાતી; જે રેવા તરીકે પણ ઓળખાય છે એવી મા નર્મદા વિશે આદિ- ગુરૂ શંકરાચાર્ય થી લઈને અર્વાચિન કવિઓ એ સ્તુતિ/ પ્રશસ્તિગાન ની રચનાઓ કરેલી છે.સદીઓથી મધ્ય તેમજ પશ્ચિમ ભારતની સામાજીક તેમજ આર્થિક પ્રગતિમાં મા નર્મદાનો ખૂબજ મોટો ફાળો રહેલ છે. મધ્ય પ્રદેશ સ્થિત અમરકંટકનાં નર્મદ કુંડ માંથી નિકળીને આશરે ૧૧૭૩ કીમી. નો પ્રવાસ કરી મા નર્મદા એકતા નગર પહોંચે છે જ્યાં ભારતનાં બીજા ક્રમનાં સૌથી મોટા કોંક્રિટ ડેમ- સરદાર સરોવર ડેમ , કે જેને ગુજરાતનું પાણીયારું પણ કહ્યું છે તેનાં માધ્યમ થી મા નર્મદા ના પાણી ગુજરાત અને રાજસ્થાન નાં પાણીની તીવ્ર અછત ધરાવતાં પ્રદેશો સુધી વહીને કરોડો લોકોની તરસ છિપાવે છે અને તેથી જ તેને જીવા દોરી ગણવામાં આવે છે. અહીં ડેમનાં જળાશયનાં ડૂબાણમાં વિલિન થયેલ પૌરાણિક પવિત્ર શૂલપાણેશ્વર મંદિર નું પુન: નિર્માણ કરવામાં આવેલ છે. ભગવાન શૂલપાણેશ્વર મહાદેવનાં સાનિધ્યમાં નવ- નિર્મિત મા નર્મદા ઘાટ ઉપર મા નર્મદાની સાધના, આરાધના અને ભક્તિના ત્રિવેણી સંગમ દ્વારા રચાતું આ પવિત્રતાનું પ્રતિબિંબ દરરોજ સાંજનાં ૦૭:૩૦ થી ૦૮:૦૦ વચ્ચે થતી નર્મદા મહાઆરતી નાં રૂપમાં જોવા મળે છે. જેમાં મુખ્યત્વે નર્મદાજીની આરતી અને નર્મદા અષ્ટકનું ગાન સાથે ધૂપ-આરતી થી નર્મદાજી ને અર્ઘ્ય આપવામાં આવે છે.